0
41

નવી દિલ્હી:મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. (RIL) વિશ્વની ત્રીજા ક્રમની એનર્જી કંપની બની ગઈ છે જ્યારે સરકારી કંપની IOC ટોપ-10 ક્લબમાં સામેલ થઈને સાતમા સ્થાને પહોંચી છે. પ્લાટ્સ ટોપ-250 ગ્લોબલ એનર્જી કંપનીઓની યાદીમાં બીજી એક સરકારી કંપની ONGCએ 11મો ક્રમ મેળવ્યો છે.

2016ની આ યાદીમાં RIL સાતમા ક્રમે હતી જ્યારે IOC 14મા ક્રમે અને ONGC 20મા ક્રમે હતી. વિશ્વની નં. 1 એનર્જી કંપની રશિયાની ગેઝરપોમ છે અને બીજા ક્રમે જર્મનીની E.ON છે.

IOC સતત આગળ વધી રહી છે, કારણ કે તે 2015માં છેક 66મા ક્રમે હતી અને આ વર્ષે ટોપ-10માં સામેલ થઈ ગઈ છે. આ યાદીમાં ભારતની કુલ 14 કંપનીને સ્થાન મળ્યું છે પરંતુ ગયા વર્ષે ભારતની કુલ 15 કંપનીએ આ યાદીમાં સ્થાન મેળવ્યું હતું. વિશ્વની સૌથી મોટી કોલસા ઉત્પાદક કોલ ઇન્ડિયા લિ. (CIL) એકમાત્ર ભારતીય કંપની છે, જેના ક્રમમાં ઘટાડો થયો છે. આ કંપની ગયા વર્ષે 38મા ક્રમે હતી પરંતુ આ વર્ષે 45મા ક્રમે પહોંચી ગઈ છે.

રશિયાની ગેઝોપ્રોમ નં. 1 પર પહોંચી જવાથી છેલ્લાં 12 વર્ષથી નં.-1 પર રહેતી અમેરિકાની એક્ઝોનમોબિલ પાછળ ધકેલાઇ ગઈ છે. અમેરિકન કંપની આ વર્ષે છેક 9મા સ્થાને છે. યાદીમાં સૌથી વધુ ઊછાળો જર્મન કંપની E.ONએ નોંધાવ્યો છે, જે સીધી 114મા સ્થાનેથી બીજા ક્રમે પહોંચી છે.

આ યાદીમાં કંપનીની એસેટનું મૂલ્ય, આવક, નફો અને રિટર્ન ઓન ઇન્વેસ્ટેડ કેપિટલ (RoIC) જેવા પરિબળોને આધારે સ્થાન આપવામાં આવે છે. તમામ કંપનીની એસેટ્સ 5.5 અબજ ડોલરથી વધારે છે.

SHARE
Previous article
Next article

LEAVE A REPLY