Breking news : 2જી કૌભાંડ: ચૂકાદાથી કોંગ્રેસ જોશમાં, ચિદમ્બરમ અને સિબ્બલના મોદી સરકાર પર આકરા પ્રહારો

0
234

2જી કૌભાંડ: ચૂકાદાથી કોંગ્રેસ જોશમાં, ચિદમ્બરમ અને સિબ્બલના મોદી સરકાર પર આકરા પ્રહારો

– પટિયાલા હાઉસ કોર્ટે એ.રાજા-કનિમોઝી સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

– કોંગ્રેસે આ કેસને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું, ભૂતપૂર્વ કેગ વિનોદ રાયની નિષ્ઠા સામે સવાલો કર્યા
– અમારી સરકાર વિરુદ્ધ દુષ્પ્રચાર કરવામાં આવ્યો હતો, પરંતુ સત્યનો વિજય થયો છે: ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન

યુપીએ સરકારના કાર્યકાળમાં થયેલા સૌથી મોટા 2જી સ્પ્રેક્ટ્રમ કૌંભાડ મામલે પટિલાયા હાઉસ કોર્ટેની સ્પેશિયલ સીબીઆઈ અદાલતે તમામ આરોપીનો નિર્દોષ જાહેર કર્યા હતા. જેમાં ભૂતપૂર્વ ટેલીકોમ મંત્રી એ.રાજા અને ડીએમકેના મંત્રી કનિમોઝીનો સમાવેશ થાય છે.

કોર્ટનો નિર્ણય આવ્યા બાદ રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો. કોંગ્રેસે રસ્તાથી લઈને સસંદ સુધી ભાજપ અને તત્કાલિન કેગ પ્રમુખ વિનોદ રાયની આકરી ટીકા કરી હતી. રાજ્યસભામાં પણ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે જે કૌભાંડના આરોપો અમારા પર લગાવવામાં આવ્યા હતા તે કૌભાંડ થયું જ નથી. રાજ્યસભામાં આને લઈને જબરદસ્ત હંગામો થયો હતો.

બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે આનાથી સાબિત થઈ ગયું છે કે વિરોધ પક્ષના જુઠ્ઠાણાનો ગોટાળો થયો છે. કોઈ પણ પૂરાવા વગર યુપીએ સરકાર પર નિરાધાર આરોપો લગાવવામાં આવ્યા હતા. સિબ્બલે કહ્યું હતું કે તત્કાલિન કેગ વિનોદ રાયે કોંગ્રેસ સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચ્યુ હતું. આ નિર્ણયે સાબિત કરી દીધું છે કે રાયની નિષ્ઠા કોના તરફ હતી. જ્યારે મેં ઝીરો લોસની વાત કરી હતી ત્યારે તત્કાલિન વિપક્ષ અને ઓનલાઈન ટ્રોલર્સે મને નિશાન બનાવ્યો હતો. આજે યુપીએ સરકારની વાત પર મહોર લાગી ગઈ છે.

મનમોહન સિંઘનું મોટુ નિવેદન

આ કૌભાંડ થયું ત્યારે વડાપ્રધાન તરીકે મનમોહન સિંઘ હતા. તેમણે ગુરૂવારે કોર્ટનો ચૂકાદો આવ્યો ત્યારે કહ્યું હતું કે અમે કોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ. તેમણે કહ્યું હતું કે યુપીએ સરકાર વિરુદ્ધ દુષ્પ્રચાર કરવામાં આવ્યો હતો. કોર્ટેના નિર્ણયથી તમામ આરોપો પાયાવિહોણા સાબિત થઈ ગયા છે. આ આરોપો ખરાબ દાનત સાથે લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષે માંગણી કરી છે કે વિનોદ રાયે માફી માંગવી જોઈએ. ઉલ્લેખનીય છે કે વિનોદ રાય હાલમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સંચાલન માટે નિમવામાં આવેલી વહીવટી સમિતિના પ્રમુખ છે.

ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના અનુભવી નેતા પી.ચિદમ્બરમે પણ મોદી સરકારની ટાકી કરી હતી. તેમણે કહ્યું હતું કે એક હાઈ પ્રોફાઈલ 2 લાખ કરોડના કૌભાંડમાં સરકારના વરિષ્ઠ પદો પર બેસેલા લોકો સામેલ હોવાની વાત સંપૂર્ણ રીતે પાયાવિહોણી સાબિત થઈ ગઈ છે. અમે હંમેશાથી આ જ કહેતા આવ્યા હતા અને હું ઘણો ખુશ છું કે સત્યનો વિજય થયો છે. લોકસભાના સાંસદ શશિ થરૂરે પણ નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે નિર્દોષ લોકોને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હતા. દેશના ન્યાયતંત્રએ એવું જ કામ કર્યું જેવું તેણે કરવું જોઈએ.

બીજી તરફ આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા બાદ ડીએમકે સમર્થકોમાં ખુશી છવાઈ ગઈ હતી. મોટી સંખ્યામાં તામિલનાડુથી દિલ્હી પહોંચેલા ડીએમકે સમર્થકોએ પક્ષ પ્રમુખ કરૂણાનિધિની પુત્રી કનિમોઝીના સમર્થનમાં નારા લગાવ્યા હતા. કનિમોઝીએ ચૂકાદા બાદ કહ્યું હતું કે ન્યાય થયો છે અને સત્યના વિજયથી હું ઘણી ખુશ છું. હું મારા સમર્થકો અને શુભચિંતકોનો આભાર માનું છું જેઓ હંમેશા મારી સાથે રહ્યા છે.

ડીએમકેના વરિષ્ઠ નેતા દુરઈ મુરૂગને કહ્યું હતું કે હજી તો વિજયની શરૂઆત થઈ છે. રાજકિય ઈરાદાઓ પૂરા કરવા માટે અમારી વિરુદ્ધ આ બધા ષડયંત્રો કરવામાં આવ્યા હતા પરંતુ હવે બધુ જ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

જોકે, ચૂકાદાને લઈને ઘણી જગ્યાએ નિરાશા પણ ફેલાઈ ગઈ છે. સીબીઆઈ તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું જેમાં કહ્યું હતું કે ચૂકાદાની કોપી મળ્યા બાદ જ અમે આગળની પ્રક્રિયા હાથ ધરીશું. રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે હાલ તો હું ચૂકાદા અંગે કંઈ કહી શકું તેમ નથી. સમગ્ર જાણકરી મળ્યા બાદ જ તેના પર વિસ્તૃત પ્રતિક્રિયા આપીશ.

LEAVE A REPLY