નશાની હાલતમાં ડ્રાઈવીંગ માટે સજા વધારીને સાત વર્ષ થશેઃ કાયદો સુધારાશે

0
128

નવી દિલ્હી તા. ર૩ઃ કેન્દ્ર સરકાર કાયદામાં સુધારો કરીને નશો કરીને વાહન ચલાવતા ડ્રાઈવરની સજા વધારીને સાત વર્ષ કરવા સહિતની કડક જોગવાઈઓ કરશે. સંસદની કમિટીએ કરેલી ભલામણોના આધારે નિયમો સુધારાશે, તેમ જાણવા મળે છે.

કેન્દ્ર સરકાર નશામાં ડ્રાઈવીંગ કરવાથી થતા મૃત્યુને લઈને કડક પગલાં ઊઠાવવા જઈ રહી છે. અત્યાર સુધી આવા કોઈ કેસમાં કલમ ૩૦૪ એ અંતર્ગત સજા તરીકે બે વર્ષની જેલ, દંડ કે બન્ને થતા હતાં. હવે સરકાર સજાની અવધિ વધારીને ૭ વર્ષની જેલ કરી નાંખવાનું વિચારી રહી છે.

આ ઉપરાંત વાહનનું રજિસ્ટ્રેશન કરાવતી સમયે જ થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ પણ ફરજિયાત કરી દેવાની તૈયારી સરકાર કરી રહી છે. સુપ્રિમ કોર્ટ નશામાં ડ્રાઈવીંગને કારણે થતા મૃત્યુ પર ટિપ્પણી કરી ચૂકી છે. કોર્ટે હાલની સજા અપૂરતી હોવાની ટકોર કરી સજા કડક બનાવવાની હિમાયત કરી હતી. આ અગાઉ સ્ટેન્ડિંગ કમિટીએ નશામાં ડ્રાઈવર્સને કારણે થનારી મોતના મામલામાં બદઈરાદાથી કરાયેલી હત્યાનો ગુનો દાખલ કરી કેસ ચલાવવાનો સુઝાવ આપ્યો હતો. આ ગુનામાં ૧૦ વર્ષની જેલની સજાની જોગવાઈ છે. દેશમાં કુલ વાહનોમાંથી અડધાથી વધુ વાહનોના થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ નથી. તેમાંથી મોટાભાગના વાહનો ટુ વ્હીલર્સ છે. આ વાહનોમાં થનારા રોડ એક્સિડન્ટના વિકિટમ્સને ભરણપોષણ ન મળવાની શક્યતા રહે છે.

સંસદની કમિટીએ રાજ્યસભામાં ગઈકાલે મોટર વેહિકલ્સ એમેન્ડમેન્ટ બિલનો રિપોર્ટ સબમિટ કર્યો હતો. તેમાં રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ ૧પ મુદ્દાઓને લઈને કાયદામાં સંશોધનનો પ્રસ્તાવ આપ્યો છે. તેમાંથી એક પ્રસ્તાવ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવમાં કોઈનું મોત થાય તો સજા વધારવાનો પણ છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીની ચાર સભ્યોની પેનલે સંસદની કમિટીને જણાવ્યું કે વાહનોની સ્પીડ કંટ્રોલ કરવા માટે નિયમ બનાવી શકાય છે. તેમાં ખાસ કરીને રસ્તા પર રેસિંગ અને સ્ટંટ કરનારા લોકો માટે નિયમ બનાવવાનો ઉલ્લેખ છે.

આ સાથે જ પ૦૦ કિલોમીટરથી વધુ અંતર સુધી જનારા કોમર્શિયલ વાહનોમાં બેથી વધુ ડ્રાઈવર્સનું હોવું જરૃરી છે. પેનલે ટ્રાફિક રૃલ્સ સાથે જોડાયેલા નવા નિયમ અને કાયદાને લાગુ પાડવાનું સૂચન આપ્યું છે. આ સાથે એ સૂચન પણ આપ્યું છે કે દરેક ટ્રાફિક પોલીસ અથવા તો ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી પાસે બોડી કેમેરા હોવા જોઈએ જેથી ટ્રાન્સપોર્ટેશનના નિયમોનો ભંગ કરનારાની કરતૂત ડિજિટલી સ્ટોર થઈ જાય. કમિટીને લાગે છે કે આવું કરવાથી ભ્રષ્ટાચાર પણ ઘટાડી શકાશે.

LEAVE A REPLY