રૂપાણીની શપથવિધિ: આ ત્રણ ફોટો જોઈ નક્કી કરો કે આને શું કહેવાય?

0
198

રાજકારણમા કોઈ કાયમી દોસ્ત નથી અને કોઈ કાયમી દુશ્મન નથી. જૂમલાના રાજકીય જંગમાં ગમે તેને ગમે તે બોલી દો અને સમય આવ્યે તો ગળે લગાડી લો. આજે ગુજરાતના મંત્રી મંડળની શપથવિધિ દરમિયાન ફોટોગ્રાફરોનાં કેમેરાની કીકીએ ફરી એક ઈતિહાસને તાદ્રશ્ય કરી દીધો છે.

એવું લાગે છે કે ગુજરાતની રાજનીતિનું ચક્ર ફરી ઘૂમી રહ્યું છે. શપથવિધિના સ્ટેજ પર એ જ ચહેરાઓ હતા પરંતુ ભૂમિકા બદલાયેલી જોવા મળી હતી.

2002નાં કોમી રમખાણો બાદ જ્યારે નીતિશકુમાર ગુજરાત આવ્યા હતા ત્યારે તે વખતે ગુજરાતનાં સીએમ એવા નરેન્દ્ર મોદી સાથે અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પરંતુ જ્યારે વડાપ્રધાનપદની દાવેદારી આવી તો નીતિશકુમારે મોદીનો ભારે વિરોધ કર્યો હતો અને એનડીએને છોડીને યુપીએ તરફ દોડ કરી હતી. યુપીએ સાથે રહ્યા, લાલુ યાદવ સાથે જોડાણ કરી ચૂંટણી લડ્યા, જીત્યા અને ફરી પાછા મોદી વડાપ્રધાન બનતા યુપીએને છોડી એનડીએમાં આવી ગયા. રૂપાણી સરકારની શપથવિધિમાં નીતિશકુમાર ફરી એક વાર પીએમ મોદી સાથે ખભેથી ખભા મિલાવી ઉભા રહેલા જોવા મળ્યા હતા.

બીજો ફોટો એવો સામે આવ્યો કે જ્યારે પીએમ મોદી નેતાઓ અને મુખ્યમંત્રીઓનું અભિવાદન ઝીલી બધાને નમસ્તે કરી રહ્યા હતા ત્યારે તેમનાં કટ્ટર રાજકીય હરીફ એવા શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલને તેઓ મળ્યા. ત્રણેય નેતાઓ વાતચીત કરતા જોવા મળ્યા. વાઘેલાએ તો પોતાની ખુરશી પરથી ઉભા થઈને પીએમ મોદીનું અભિવાદન કર્યું. ગુજરાતમાં કેશુભાઈ પટેલ બાદ વાઘેલાને સીએમ બનવું હતું પરંતુ તેમનો નંબર લાગ્યો નહી. આ ત્રણેય નેતાઓના રાજકીય વેરઝેરથી કોઈ અપરિચિત નથી. વાઘેલાએ પાર્ટી છોડી દીધી.

કેશુભાઈ પટેલને રાતોરાત પદભ્રષ્ટ કરી ભાજપે નરેન્દ્ર મોદીને સીએમ બનાવ્યા તો રાજકીય ચક્રવાત ઉભું થયું હતું. કેશુભાઈએ પણ મોદીની સામે પોતાની પાર્ટી લોન્ચ કરી હતી પણ સફળ રહ્યા નહી. આજે આ ત્રણેય નેતાઓ ફરી એક વાર એક સાથે મંચ પર જોવા મળ્યા. આને કહેવાય હિસ્ટ્રી ઈટ સેલ્ફ રિપીટ.

ત્રીજો ફોટો હતો ભાજપના વરિષ્ઠ નેતા અને હાસીયામાં ધકેલી દેવાયેલા લાલકૃષ્ણ અડવાણીનો. અડવાણી ગુજરાતના ગાંધીનગરની લોકસભા બેઠકના સાંસદ છે. તેમનો આજકાલ ભાજપમાં કોઈ ભાવ પૂછતું નથી. અડવાણીની સોમનાથ યાત્રાના મોદી સારથી હતા અને આજે મોદી પીએમ છે અને અડવાણી કશે પણ નથી. એક ટાઈમ હતો કે મોદીને અડવાણી પીએમપદના ઉમેદવાર બનાવવા તૈયાર ન હતા. ફોટો જોતા એવું લાગ્યું કે પીએમ મોદીને અડવાણી કશુંક સમજાવી રહ્યા છે. આ ત્રણેય ફોટો ઈતિહાસને જીવંત કરી ગયા છે.

LEAVE A REPLY