‘ત્રિપલ તલાક’ ઐતિહાસિક બિલ લોકસભામાં પાસ

0
226
  • ત્રિપલ તલાક’ ઐતિહાસિક બિલ લોકસભામાં પાસ

Report by Haresh Dobaria

|

કેન્દ્ર સરકાર દ્વારા ઐતિહાસિક ટ્રિપલ તલાક બિલને વિરોધપક્ષના વિરોધ વચ્ચે લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. સરકારે જે સ્વરૂપે બિલ રજૂ કર્યું હતું તે સ્વરૂપમાં જ તે પસાર થયું હતું તેમાં કોઈ સુધારા કરાયા ન હતા. કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે મુસ્લિમ મહિલા(લગ્નના અધિકારનું સંરક્ષણ) બિલ રજૂ કર્યું હતું. પ્રસાદે કહ્યું કે ટ્રિપલ તલાક કાયદો મહિલાઓના અધિકારોનું રક્ષણ કરે છે અને તેનાં હિતમાં છે. તેમણે ગુરૂવારને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. ટ્રિપલ તલાકને સજાપાત્ર અને બિનજામીનપાત્ર ગુનો ગણવાની તેમાં જોગવાઈ કરાઈ છે. સરકાર મુસ્લિમોના શરિયતમાં કોઈ દખલ દેવા નથી માગતી તેમ પ્રસાદે કહ્યું હતું. ટ્રિપલ તલાક બિલમાં સુધારા કરવા માટે રજૂ કરાયેલા તમામ સૂચનો રદ કરવામાં આવ્યાં હતાં. ઓવૈસી દ્વારા બિલનો ભારે વિરોધ કરીને બે સૂચનો કરાયાં હતાં પણ તેમને ફક્ત બીજેડીના ભર્તુહરીએ જ ટેકો આપ્યો હતો. અન્ય તમામ સાંસદોએ ગૃહમાં તેમનાં સૂચનો ફગાવ્યાં હતાં. આમ ભારે બહુમતીથી બિલને પસાર કરાયું હતું. 22 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટના પાંચ જજિસની બંધારણીય બેન્ચે 3 વિરુદ્ધ ૨ મત સાથે વિભાજિત ચુકાદો આપ્યો હતો, જેમાં તત્કાળ તલાકને ગેરબંધારણીય ગણાવાયા હતા.

કોનો કેવો વિરોધ?

આ બિલનો AIMIM, ટીએમસી, આરજેડી, બીજેડી જેવા વિપક્ષોએ વિરોધ કર્યો હતો, જ્યારે કોંગ્રેસે શરતી ટેકો આપવાની તૈયારી દર્શાવી હતી. AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ બિલનો વિરોધ કરતાં કહ્યું હતું કે જો બિલ પાસ થશે તો મહિલાઓના અધિકારોનું હનન થશે. મુસ્લિમો સાથે કોઈ ચર્ચા કર્યા વિના તેને રજૂ કરાયું છે. આરજેડીના જયપ્રકાશ નારાયણ યાદવે તેમજ IUML એ. અનવર રાજાએ બિલનો વિરોધ કર્યો હતો અને વિવાહિત મુસ્લિમ મહિલાઓ સાથે અન્યાય વધશે તેમ કહ્યું હતું. બીજેડીના ભર્તૃહરિએ બિલ રજૂ કરવાના સમય સામે સવાલો ઉઠાવ્યા હતા અને તેમાં અનેક ખામીઓ હોવાની દલીલો કરી હતી.

હવે શું?

બિલ લોકસભામાં વિસ્તૃત ચર્ચા પછી પસાર થતાં હવે તેને મંજૂરી માટે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. રાજ્યસભામાં શાસક પક્ષની બહુમતી નહીં હોવાથી ત્યાં બિલ પાસ કરાવવા ભાજપની કસોટી થશે. સાંસદો ગૃહમાં ચર્ચા માગે છે કે સંસદીય સમિતિ સમક્ષ ફેરવિચારણા માટે મોકલે છે તે જોવાનું રહેશે.

રવિશંકર પ્રસાદે શું કહ્યું: મહિલાઓને ન્યાય અપાવવા માટે બિલ પાસ કરવું જરૂરી છે. આ કોઈ ધર્મ, પૂજા કે પરંપરા સાથે નહીં પણ નારીસન્માન સાથે જોડાયેલું છે. મુસ્લિમ મહિલાઓને આ કાયદાથી ન્યાય મળશે અને તેમને મૂળભૂત અધિકારો મળશે. પ્રસાદે સાસંદોને 4 અપીલ ધ્યાનમાં રાખીને બિલને ટેકો આપવા કહ્યું હતું, જેમાં આ બિલને રાજકીય દ્રષ્ટિકોણથી નહીં જોવા, રાજકીય પક્ષો દ્વારા તેમાં ભાગલા નહીં પાડવા, ધર્મનાં નામે નહીં મૂલવવા તેમજ વોટબેન્ક તરીકે નહીં જોવા અનુરોધ કર્યો હતો.

કોણે શું કહ્યું?

મલ્લિકાર્જુન ખડગે – કોંગ્રેસ: અમે આ બિલને ટેકો આપીએ છીએ પણ તેમાં જે ખામીઓ છે તેને ધ્યાને લઈને તે દૂર કરવાની જરૃર છે. સાથે બેસીને તેનો ઉકેલ લાવવો જરૃરી છે. જો બિલમાં મહિલાઓને અન્યાય કરતી જોગવાઈ હોય તો તેનો અમે વિરોધ કરીએ છીએ.

અસદુદ્દીન ઓવૈસી: આ બિલ મુસ્લિમ મહિલાઓના મૂળભૂત અધિકારોનો ભંગ કરે છે. તેમાં કાનૂની જોગવાઈઓની ખામી છે. મુસ્લિમ મહિલાઓના અધિકારોનું હનન કરવા સમાન છે. મુસ્લિમ સાથે ચર્ચા કર્યા વિના તેને રજૂ કરાયું છે.

સલમાન ખુરશીદ – કોંગ્રેસ: હું આ બિલને ટેકો આપવાની તરફેણમાં નથી. ટ્રિપલ તલાકને ગુનો ગણવાથી મહિલાઓને કેવી રીતે લાભ થશે તેનો તેમાં કોઈ ઉલ્લેખ નથી, જો કોઈ પુરુષ જેલમાં જશે તો મહિલાનું ભરણપોષણ કોણ કરશે.

અનંતકુમાર: પીએમ મોદીએ આ બિલ સર્વસંમતિથી પાસ કરવાની અપીલ કરી છે. આ બિલ લૈંગિક ન્યાય, રક્ષણ અને સન્માન માટે છે.

એમ. જે. અકબર : કેટલાંક લોકો ઇસ્લામ ખતરામાં છે તેવી વાત કરે છે પણ દેશમાં ખતરો નથી. મુસ્લિમ મરદોની મનમાની અને જબરજસ્તી ખતરામાં છે.

સમાજવાદી પાર્ટી: આ બિલ ફક્ત હિંદુઓને રાજી કરવા માટે છે.

શાઇસ્તા અંબર – મુસ્લિમ મહિલા પર્સનલ લો બોર્ડ: આ ઐતિહાસિક દિવસ છે. મુસ્લિમ મહિલાઓ વર્ષોથી પીડિત છે. તમામ સાંસદો તેને પાસ કરવામાં મદદ કરે.

ટ્રિપલ તલાક બિલમાં શું છે?
ટ્રિપલ તલાક એ સજાનેપાત્ર અને બિનજામીનપાત્ર ગુનો ગણાશે.
ટ્રિપલ તલાક આપનાર પતિ કે વ્યક્તિને ૩ વર્ષની કેદ અને દંડ કરાશે.
ટ્રિપલ તલાક પીડિતા મહિલા પોતાના માટે અને સંતાનો માટે ભરણપોષણ મેળવી શકશે.
પીડીતાને તેનાં સંતાનો માટે કસ્ટોડિયલ રાઇટ્સ મળશે.
પીડિતા મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરીને પતિને સજા અપાવી શકશે.
સંતાનોની કસ્ટડી અને ભરણપોષણનો નિર્ણય મેજિસ્ટ્રેટ લઈ શકશે.
ટ્રિપલ તલાક પછી એક વર્ષમાં મુસ્લિમ મહિલા ફરિયાદ કરી શકશે.

સુપ્રીમના ચુકાદા પછી ટ્રિપલ તલાકના 60 થી 100 કેસો બન્યા

સુપ્રીમ કોર્ટે તત્કાળ તલાકને ગેરકાનૂની અને ગેરબંધારણીય ગણાવ્યા પછી દેશમાં ટ્રિપલ તલાક આપવાના 60 થી 100 જેટલા કિસ્સા પ્રકાશમાં આવ્યા હોવાનું કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું. મ્જીઇઝ્રના બી. શ્રીરામુલુ અને સમાજવાદી પાર્ટીના તેજપ્રતાપસિંહે પૂછેલા પ્રશ્નો વખતે તેમણે ખુલાસો કર્યો હતો.

કયા તલાક ગેરકાયદે અને કયા માન્ય
સુપ્રીમ કોર્ટે તલાક એ બિદ્દત એટલે કે ત્રણ વખત એક સાથે તલાક… તલાક… તલાક બોલીને આપેલા તલાકને ગેરકાનૂની ઠરાવ્યા છે જ્યારે સુન્ની મુસ્લિમો દ્વારા આપવામાં આવતા તલાક એ અહસન અને તલાક એ હસનને માન્ય ઠરાવ્યા છે.

રાહુલ ગાંધી તેમના પિતાની ભૂલનું પુનરાવર્તન કરવા માગતા નથી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પક્ષના સાંસદોએ ટ્રિપલ તલાક બિલને શરતી ટેકો આપવાની તૈયારી દર્શાવી છે. કોંગ્રેસ આ બિલ પર પૂર્ણ ચર્ચા ઇચ્છે છે અને બિલમાં કરાયેલી ક્રિમિનલ જોગવાઈઓ સામે સવાલો ઉઠાવીને તેમાં ફેરફાર કરાય તેવાં સૂચનો કરવા માગે છે, જોકે રાહુલ ગાંધી તેમના પિતા રાજીવ ગાંધીએ કરેલી ભૂલ દોહરાવવા માગતા નથી. કોંગ્રેસ તેમાં કેટલાંક સૂચનો કરશે પણ તેમાં કોઈ સુધારા કરતો ઠરાવ લાવશે નહીં. અગાઉ રાજીવ ગાંધી પર મુસ્લિમ તૃષ્ટિકરણના અને જમણેરી રાજનીતિના આરોપો લાગ્યા હતા. મુસ્લિમ તૃષ્ટિકરણ કરીને દેશને પાછળ લઈ જવાના આક્ષેપોથી રાહુલ ગાંધી બચવા માગે છે.

ઓવૈસી અને કોંગ્રેસને મુસ્લિમ મહિલાનાં શોષણમાં જ રસ: ભાજપ
ભાજપના પ્રવક્તા નરસિહરાવે આક્ષેપો કર્યા હતા કે કોંગ્રેસ અને ઓવૈસી આ બિલનો વિરોધ કરીને મુસ્લિમ મહિલાઓનાં શોષણમાં જ રસ દર્શાવી રહી છે. મુસ્લિમ મહિલાઓને તેમનો અધિકાર મળે કે સન્માન મળે તેમાં તેમને રસ નથી. તેઓ સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરી રહ્યા છે.

પત્ની મોડે સુધી ઊંઘતી રહી તો પતિએ ત્રણ તલાક આપ્યા
લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પસાર થયું તેના એક દિવસ પહેલાં જ યુપીના રામપુરમાં અઝીમનગર થાણામાં પત્ની સવારે મોડી ઊઠવાને કારણે પતિએ તેને ટ્રિપલ તલાક આપ્યાની ઘટના બહાર આવી હતી. પતિ તેને તલાક આપીને ઘરની બહાર કાઢી તાળું મારીને ફરાર થયો હતો. પતિ તેને બેરહમીથી મારતો હોવાની મહિલાએ ફરિયાદ કરી હતી. પોલીસે તાળું તોડીને મહિલાને ઘરમાં મોકલી હતી

LEAVE A REPLY