ગાંધીનગર : ‘તમારી માંગ નહીં આપણી માંગ’ પદ્માવત અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન

0
249

રાજકોટ: સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીનું નામ બદલી પદ્માવત કરાયું હતું. બાદમાં નિર્માતા દ્વારા સુપ્રીમ કોર્ટની મંજૂરી પણ મેળવવામાં આવી છે. છતાં કરણીસેનાના કાર્યકરો દ્વારા કોઈપણ રીતે આ ફિલ્મની રિલીઝ અટકાવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. તેમજ ગુજરાતભરમાં ઠેર-ઠેર ચક્કાજામ કરી, ટાયરો સળગાવી, તેમજ કેન્ડલ માર્ચ યોજી વિવિધ રીતે ભારે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર પણ કરણીસેનાના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને હાઇ-વે પર ટ્રાફિકજામ સર્જ્યો હતો.

આ દરમિયાન રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. કરણીસેનાના કાર્યકરોએ તેમને જણાવી રહ્યા હતા કે, અમારી માંગ છે કે, પરંતુ તેઓને અધવચ્ચે જ રોકીને ભુપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, “તમારી નહીં આપણી માંગ છે, પણ આવી બાબતો માટે બેસીને ચર્ચા કરવી જોઈએ. શું રસ્તો નીકળી શકે તે અંગે અમે પણ વિચારી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટનો આદેશ છે ત્યારે મારા હાથની વાત નથી. પરંતુ ટાયરો સળગાવવાથી કે ચક્કાજામ કરવાથી આ મામલનો ઉકેલ નહીં આવે તે હકીકત છે”. આમ તેમણે કરણીસેનાને વિરોધનો આ માર્ગ ન અપનાવવાની અપીલ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો છે.

ભુપેન્દ્રસિંહની સમજાવટથી કરણીસેનાના કાર્યકરોનો રોષ શાંત થયો હતો અને તેમની લાગણીને માન આપીને કરણીસેનાએ ટ્રાફિક પૂર્વવત થવા દીધો હતો. જો કે જે રીતે રાજ્યભરમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે તે જોતા કરણીસેના આક્રમક મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આ સમજાવટ કેટલી હદે સફળ રહેશે તે જોવું રહ્યું.

LEAVE A REPLY