ગારિયાધારમાં બાઈક અથડાવા મામલે રાજકારણીએ ફાયરિંગ કરતાં ચકચાર

0
145

ભાવનગર જિલ્લાના ગારિયાધાર ખાતે આજે સાંજના સુમારે બે મોટર સાઈકલ સામસામે અથડાતાં થયેલી સામાન્ય બોલાચાલીમાં મામલો વણસી જતાં ઝપાઝપી દરમિયાન પાલિતાણાના અગ્રણીના નજીકના રાજકીય શખસે પોતાની લાઈસન્સવાળી રિવોલ્વર કાઢીને ધડાધડ ત્રણ રાઉન્ડ હવામાં કરતાં લોકોમાં નાસભાગ મચી જવા સાથે રાજકારણીની હરકત સામે ભારે આક્રોશ ભડકી ઊઠયો હતો. ફાયરિંગના પગલે ગારિયાધાર પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. જો કે, ફરિયાદ નોંધાવવા મામલે પોલીસની વરવી ભૂમિકા સામે લોકોમાંથી અનેક સવાલો ખડા થયા હતા.

પોલીસ વર્તુળોમાંથી ઉપલબ્ધ માહિતી અનુસાર પાલિતાણા શહેરના દાતારવાડી વિસ્તારમાં રહેતાં પંકજભાઈ લક્ષ્‍મણભાઈ વાળા કોળી (ઉ.વ.૪૦)એ એવી ફરિયાદ ગારિયાધાર પોલીસમથકમાં ભાવિન રજનીકાંત જોબનપુત્રા (રહે.જીવાણી શેરી, ગારિયાધાર) વિરૃધ્ધ નોંધાવી હતી કે, આજે સાંજના ૧૯/૩૦ કલાકે ફરિયાદી પંકજભાઈ તથા તેમા સબંધી મહિલા સાથે મોટર સાઈકલ પર તથા ગોપાલભાઈ વાઘેલા (મહામંત્રી, પાલિતાણા તાલુકા ભાજપા) સાથે બાઈક લઈને ગારિયાધારના સોની બજારમાંથી પસાર થતાં હતા, ત્યારે સામેથી આવતાં આરોપી બાઈકચાલક ભાવિન જોબનપુત્રા અને ફરિયાદીની મોટર સાઈકલ વચ્ચે અકસ્માત થતાં બન્ને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થતાં ફરિયાદીના સબંધી ગોપાલભાઈ વાઘેલાએ પોતાની લાઈસન્સવાળી રિવોલ્વર કાઢી ઉપરાછાપરી ત્રણ રાઉન્ડ હવામાં કરતાં લોકોમાં ભયનો માહોલ ખડો થયો હતો. બનાવના સ્થળે લોકોના ટોળાં ઉમટયાં હતા.

હવામાં આડેધડ ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટનાના પગલે અહીંના ગાંધીચોકના ભયભીત વેપારીઓએ પોતાની દુકાનોના શટરો ધડાધડ પાડી દઈને ઘરની વાટ પકડી હતી. મારામારીનો મામલો ગારિયાધાર પોલીસમથકે પહોંચતાં સ્થાનિક અગ્રણીઓ વસંતભાઈ ગોપાણી, રાજેશભાઈ જીવરાજાણી, કે.ડી.પરમાર, મનીષભાઈ કળીવાળા સહિતના દોડી ગયા હતા. આ અંગે પોલીસે આરોપી વિરૃધ્ધ આઈપીસી કલમ ૩ર૩, પ૦૬/ર મુજબ ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી હતી.

જ્યારે સામાપક્ષના ભાવિનભાઈ ઉર્ફે લાલો રજનીકાંત જોબનપુત્રા (ઉ.વ.ર૪)એ એવી ફરિયાદ આરોપી ગોપાલ વાઘેલા તથા એક અજાણ્યા શખસ વિરૃધ્ધ નોંધાવી હતી કે, ફરિયાદી ભાવિનભાઈ આજે સાંજે અનાજ દળાવી દળણું લઈ પોતાની ફરસાણની દુકાને આવતાં હતા, ત્યારે આરોપીની બાઈક સાથે અકસ્માત સર્જાતાં બન્ને શખસે એકસંપ કરી ફરિયાદીને ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી ગોપાલ વાઘેલાએ તેની રિવોલ્વર બહાર કાઢી હવામાં ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી બન્ને શખસો નાસી છૂટયાં હતા. પોલીસે આ અંગે બન્ને શખસ વિરૃધ્ધ આઈપીસી કલમ ૩ર૩, પ૦૬/ર, ૧૧૪ તથા આર્મ્સ એક્ટ કલમ ૩૦ મુજબ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે રિવોલ્વર કબજે લીધી હતી. બન્ને પક્ષની ક્રોસ ફરિયાદની વધુ તપાસ પીએસઆઈ એમ.બી.ઔસુરા ચલાવી રહ્યાં છે.

Reporting By

Chirag RajGor

Saurashtra Head

LEAVE A REPLY