Home Uncategorized સંતોની વાણીને સમજવા પ્રેમ જોઇએ, પંડિતાઈ નહીં

સંતોની વાણીને સમજવા પ્રેમ જોઇએ, પંડિતાઈ નહીં

0
356

Inanews National|Update:Date:30 January 2018 : 12:46 PM

રાપર, તા. 29 : સંતોની વાણી અજરામર છે, કાયમ લીલીછમ્મ છે . સંતોની વાણીની ગંગામાં નહાવાનું છે, ક્યાંથી નીકળી અને કેમ નીકળી એમાં પડવાની જરૂર નથી. રાપર રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાનમાં ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ અને ગંગ સાહેબની ચેતન સમાધિ આજે પણ જાગતલ જીવોને પારાવાર પ્રેરણા નિરંતર આપી રહી છે તેવી તાત્વિક સાત્વિક વાતો ‘ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ -રાપર તથા ‘રવિ ભાણ સંપ્રદાય મંદિર ટ્રસ્ટ રાપરના સંયુક્ત ઉપક્રમે `રવિભાણ સંપ્રદાયનું સંત સાહિત્ય’ વિષયક રાજ્ય કક્ષાના એક દિવસીય પરિસંવાદમાં આ વિષયના રાજ્યના નામાંકિત અભ્યાસુઓએ ભાવ જગતભર્યા માહોલમાં શ્રોતાઓને ભીંજવ્યા હતા. ‘કચ્છની વિવિધ કોલેજના યુવા છાત્રોની હાજરીમાં સંતો અને અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ કચ્છ યુનિવર્સિટીના ભાષાના ડિન ડો. દર્શનાબેન ધોળકિયાએ ઈશ્વર અનુભૂતિ માટે નિર્મળ ચિત્તની પ્રથમ અગત્યતા પર ભાર મૂકી, ભીતરમાં અજવાળા કરનારા સંતો, કામ કરીને આઘા ખસી ગયા, પોતાને એમણે સાવ ગૌણ ગણ્યા, સાધકને દર્શનની આંખ આપીને અલોપ થયા એ પ્રતાપે જ એમની વાણી પ્રત્યેક સમયે પ્રાસંગિક બની રહેવાની છે. સંતોની વાણીના આધાર સાથે ખૂબ જ મનનીય પીઠિકા બાંધી આપી હતી. શાબ્દિક આવકાર અને દરિયાસ્થાન ટ્રસ્ટની લોક કલ્યાણની પ્રવૃત્તિઓની વાત ટ્રસ્ટી મુકેશભાઇ ઠક્કરે કરી હતી. આશીર્વચન સંત ત્રિકાલદાસજી મહારાજે આપી આજના દિવસને ખૂબ જ ધન્ય અને યાદગાર ગણાવ્યો હતો. પ્રથમ સત્રમાં ડો . દલપતભાઈ પઢિયારે રવિ સાહેબ અને ભાણ સાહેબના સાહિત્યની સુપેરે માહિતી આપી હતી અને ભાણના શિષ્ય રવિ. અર્થ પણ એક જ અને આગળ શિષ્ય પછી ગુરુનું નામ પણ શોભે છે, ભાણરવિ નહીં પણ રવિભાણ જ સારું લાગે છે ! મર્મજ્ઞ ડો નાથાલાલ ગોહિલે ખીમસાહેબ અને ત્રિકમસાહેબના સંત સાહિત્યની વાત કરતાં આ સંતોએ જે મહાક્રાંતિ 200 વર્ષ અગાઉ કરી છે તે બદલ ઉપેક્ષિત વર્ગ એમનો કાયમ ઋણી ગણાશે. ‘ડો. રવજીભાઇ રોકડે ગંગ સાહેબના સંત સાહિત્યની છણાવટ કરી હતી. આ સત્રનું સંચાલન ડો. હિના ગંગરે કર્યું હતું. બીજા સત્રમાં ડો. રમેશ મહેતાએ લાલ સાહેબનું સંત સાહિત્ય, ડો. મનોજ રાવલે મોરાર સાહેબનું સંત સાહિત્યનો ‘ભાર ન લાગે તેવી શૈલીમાં ઉઘાડ કર્યો હતો. ‘તો ડો. નિરંજન રાજ્યગુરુએ દાસી જીવણ અને ભીમ સાહેબની રચનાઓને સુંદર સ્વર વડે રજૂ કરી હતી. સત્રનું સંચાલન પ્રા. ચેતાલી ઠક્કરે કર્યું હતું. સમાપન સત્રમાં વિવિધ શોધપત્રનું વાંચન અને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરાયું હતું. પ્રિન્સિપાલ ડો. રમઝાન હસણીયાએ પૂરક ભૂમિકા નિરંતર ભજવી હતી. કાર્યક્રમમાં ટ્રસ્ટી પ્રમુખ ‘રસિકલાલ આદુવાણી, ધીરજલાલ ઠક્કર, દિનેશભાઇ સંઘવી, રમેશભા ગઢવી, સંત આત્મારામજી, હિંમતરામજી બાપુ, નકુલભાઈ, ડો. માધવ મઠ, કેશુભા વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આગલી રાત્રે આ સંતોની સંતવાણી ડો. નિરંજન રાજ્યગુરુ તથા ડો. દલપતરામ પઢિયારે ભાવવાહી સ્વરમાં ભજન વાણી રજૂ કરી હતી જેને રાપરના સંગીતકાર ભાવેશ ઠક્કર તથા રોહિત ઠક્કરે સંગત આપી હતી. ‘

LEAVE A REPLY