કમલ હાસને ડો. કલામના ઘરેથી શરૂ કરી રાજકીય કારકિર્દી

0
245

Inanews National

Updated: February 21, 2018, 6:43
કમલ હાસને ડો. કલામના ઘરેથી શરૂ કરી રાજકીય કારકિર્દી

કમલ હાસન
સાઉથના સુપરસ્ટાર કમલ હાસને પોતાની રાજકીય કારકિર્દીની આજે (બુધવારે) શરૂઆત કરી હતી. હાસન બુધવારે સવારે રામેશ્વરમ સ્થિત પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના ઘરે ગયા હતા, અહીં તેમણે દિવંગત રાષ્ટ્રપતિના પરિવારના લોકો સાથે મુલાકાત કરી હતી.

આ દરમિયાન તેમણે એપીજે અબ્દુલ કલામના 90 વર્ષીય ભાઈ મોહમ્મદ મુથુઇમીરા બેબ્બાઇ મારિક્કાયાર સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન કલામના અન્ય સગાસંબંધીઓ પણ ત્યાં હાજર હતા. હાસને અહીં કહ્યું હતું કે, ‘મહાનતા એક સામાન્ય શરૂઆતથી જ આવે છે. તે સાદગીથી જ આવશે. એક મહાન વ્યક્તિના સાદગીભર્યા ઘરથી સફર શરૂ કરવાનો મને ખૂબ આનંદ છે.’

હાસને કલામના ઘરથી જ પોતાની રાજકીય રેલીની શરૂઆત કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિના ઘરેથી જ્યારે કમલ હાસનનો કાફલો નીકળ્યો ત્યારે રસ્તાની બંને બાજુએ મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આ લોકો ‘આગામી સીએમની જય’ના નારા લગાવી રહ્યા હતા.

હાસન પૂર્વ રાષ્ટ્રપતિના ઘરેથી નીકળ્યા બાદ એ સ્કૂલની મુલાકાત પણ લેવાના હતા જ્યાં કલામે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. જોકે, કથિત રીતે તંત્ર તરફથી આ અંગેની મંજૂરી ન મળતા તેમણે આ કાર્યક્રમ પડતો મૂકવો પડ્યો હતો.

કમલ હાસનના કાર્યક્રમ પ્રમાણે તેમનો કાફલો રસ્તામાં અનેક જગ્યાએ રોકાશે, અહીં તેઓ અનેક સભાને સંબોધન કરશે. સાંજે તેઓ મદુરાઈ પહોંચશે જ્યાં તેઓ પાર્ટીના નામની જાહેરાત કરશે, તેમજ પક્ષના ઝંડાને ખુલ્લો મૂકશે.

કમલ હાસન

કેજરીવાલ થશે સામેલ

કમલ હાસનની રાજકીય કારકિર્દીની શરૂઆત અંગે યોજાયેલી ઇવેન્ટમાં નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બુધવારે સાંજે મદુરાઈમાં હાજર હોવાને કારણે તેઓ કાર્યક્રમમાં સામેલ થશે અને હાજર લોકોને પણ સંબોધન કરશે.

નોંધનીય છે કે કમલ હાસન પહેલા સાઉથના સુપરસ્ટાર રજનીકાંત પણ રાજકીય પાર્ટીની જાહેરાત કરી ચુક્યા છે. તેમની પાર્ટી તામિલનાડુની આગામી વિધાનસભામાં તમામ 234 બેઠક પર ચૂંટણી લડશે. રજનીકાંતે અને કમલ હાસને રવિવારે મુલાકાત પણ કરી હતી. બંને વચ્ચેની આ મુલાકાત ભલે ઔપચારિક હતી, પરંતુ આ મુલાકાતને તામિલનાડુના રાજકારમણાં મોટા ખળભળાટના આગમન તરીકે જોવામાં આવી રહી છે. આ પહેલા જ રજનીકાંત કમલ હાસન સથે ગઠબંધન કરવાના સંકેત આપી ચુક્યા છે.

રજનીકાંત સાથે મુલાકાત બાદ કમલ હાસને કહ્યું હતું કે, ‘અમારી વચ્ચે રાજકીય નહીં પરંતુ ફક્ત ઔપચારિક મુલાકાત હતી. હું તેમને મારા રાજકીય પ્રવાસ અંગે જાણકારી આપવા આવ્યો હતો. તેમણે મને આ પ્રવાસ માટે શુભેચ્છા પાઠવી છે.’ હાસને બાદમાં ડીએમકેના ચીફ કરુણાનિધિ સાથે પણ મુલાકાત કરી હતી.

LEAVE A REPLY