રૂપાણી સરકારનો નવો ફતવો, ખેડૂતોએ ખાતરની ખરીદી માટે પાળવા પડશે આટલા નિયમો

0
282
Inanews National

Updated: March 6, 2018
રૂપાણી સરકારનો નવો ફતવો, ખેડૂતોએ ખાતરની ખરીદી માટે પાળવા પડશે આટલા નિયમો

પ્રતિકાત્મક તસવીર
રાજ્ય સરકાર દ્વારા પહેલી ફેબ્રુઆરીથી ખેડૂતો માટે એક વિશેષ પરિપત્ર અમલી બનશે. આ પરિપત્ર અનુસાર હવે ખેડૂતોએ ખાતર ખરીદવા માટે સરકારે નિયત કરેલી વિશેષ પદ્ધતિને અનુસરવું પડશે. આ પરિપત્રથી હજી તમામ ખેડૂતો જાગૃત નથી. પરંતુ સૂત્રોનુ માનીયે તો આ પરિપત્રના કેવા નકારાત્મક પરિણામ આવી શકે છે તેમજ પરિપત્રનો અમલ શા માટે વ્યવાહુ નથી તે મુદ્દે ભાજપના જ એક નેતાએ રાજ્ય સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે.

મુદ્દો એમ છે કે, નવી રાસાયણિક ખાતર વેચાણ પદ્ધતિ હવે પીઓએસ મશીનથી જ અમલી બનશે. પરંતુ પહેલી ફેબ્રુઆરીથી અમલમાં આવનાર આ પરિપત્ર કેટલો બીનવ્યવહારુ છે તે મુદ્દે ઇટીવીની ટીમે તૈયાર કર્યો ગ્રાઉન્ડ રીપોર્ટ. પહેલી ફેબ્રુઆરીથી અમલી બનનાર પરિપત્ર જાહેર થતાની સાથે જ વિવાદના ઘર થયા છે.

આ પરિપત્ર તેના મૂળભૂત મુદ્દાઓ પર કરીએ નવી રાસાયણિક ખાતર વેચાણ પદ્ધતિ પીઓએસ મશીનથી અમલી બનશે. જેના નામે સાત-બારનો ઉતારો હશે તેને જ ખાતર મળી શકશે. તે સિવાયના લોકો ખાતર ખરીદી શકશે નહીં. ખાતર વેચવા જે પીઓએસ મશીનનો ઉપયોગ થશે, તે પીઓએસ મશીન આધારકાર્ડ સાથે લિન્ક અપ હશે. જે ખેડૂત ખાતરની ખરીદી કરે છે તેની સહી કે અંગુઠો આ મશીન પર મૂકવાનો રહેશે.

આ પરિપત્ર ગ્રાઉન્ડ રિયાલીટીથી કેવી રીતે વિપરીત છે તે મુદ્દાઓ ઉપર એક નજર કરીએ.

  1. રાસાયણિક ખાતર વેચાણ કામગીરી સહકારી મંડળીઓએ કરવાની છે. પરંતુ મોટાભાગની સહકારી મંડળીઓ પાર્ટ ટાઇમ કર્મચારીથી કામગીરી કરતી હોઈ છે, આ પદ્ધિતિથી કામ કરી શકે તેમ નથી.
  2. મૂળ મુદ્દો એ છે કે રાજ્યના મોટાભાગના ગામડાઓમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી નથી, અને પીઓએસ મશીન આધારકાર્ડ સાથે લિન્ક હોવાથી કનેક્ટિવિટી જરુરી છે. જે સમયે પીઓએસ મશીનને ઇન્ટરનેટ નહીં મળે તે સમયે આ મશીન બંધ રહેશે. મશીન વગર ખેડૂતો ખાતર ખરીદી શકશે નહીં.
  3. પ્રાયોગિક ધોરણે આ પ્રકારે વેચાણના અમલની શરુઆતમાં જે સમસ્યા સામે આવી છે તે એ છે કે નેટના અભાવે ફિંગરપ્રિન્ટ મેચ નહીં થતા હોવાથી ખેડૂતો ખાતર ખરીદી શકતા નથી અને સહકારી મંડળી અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થાય છે. ખાસ કરીને પાક વાવેતરની સિઝનમાં ખેડૂતોની લાંબી લાઇનો લાગશે. તેવા સમયે અંગુઠાના ફિંગરપ્રિન્ટ વગર ખેડૂતો ખાતર ખરીદી શકશે નહીં.
  4. તમામ ગામોમાં નેટ કનેક્શન ઉપલબ્ધ ન હોઇ એક-એક ખેડૂતને વેચાણ કરવા કલાકોનો સમય વિતી જાય છે. આ પદ્ધતિમાં ઇન્ટરનેટનો ખર્ચ ખેડૂતો કે સરકાર બેમાંથી એકેય આપતા નથી. જેથી વધારાનો બોજ મંડળીઓ પર આવશે. મંડળીઓ આ માટે તૈયાર નથી.
  5. રાસાયણિક ખાતર વેચાણમાં મંડળીને મળતું કમિશન ખૂબ જ ઓછું છે. એટલું જ નહીં રાસાયણિક ખાતર જ્યારે જરુર હોય ત્યારે મળતું ન હોઇ સંસ્થાઓએ તેનો સંગ્રહ કરવો પડે છે. સંગ્રહ કરતા જે-તે સંસ્થાને વ્યાજની રકમ સહન કરવી પડતી હોય છે. સ્ટેશનરી ખર્ચ, કર્મચારીના પગાર, તથા પીઓએસ મશીનનો ખર્ચ આ બધું ગણતરીમાં લેતા સંસ્થાઓને નફો નહીં પણ નુકસાનનો ડર છે. જેને લઇને સહકારી મંડળીઓ આ પ્રકારે વેચાણની કામગીરીમાં સામેલ થવા તત્પર નથી.
  6. સાત બારનો ઉતારો જેને નામે હોય એજ ખેડૂત ખાતર ખરીદી કરવા જઇ શકશે. એટલે કે જો મૂળ ખેડૂત સંજોગોવશાત ખાતર ખરીદવા જાતે જઇ શકે તેમ ન હોય તો તેમની અવેજીમાં અન્ય કોઇ ખાતર ખરીદી શકશે નહીં.
  7. હજુ મોટાભાગના ખેડૂતોને આ પરિપત્ર વિશે જાણ નથી. આમ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર અણઘડ રીતે કરેલો આ પરિપત્ર કેટલો સફળ બનશે તે એક પ્રશ્ન છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં ખેડૂતોના પ્રશ્ને ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાજપે સીટો ગુમાવી છે. હવે આગામી વર્ષે જ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે, અગાઉની સમસ્યાઓનો નિકાલ લાવવાને બદલે નવા ફતવાઓ ભાજપને કેટલા ફળશે તે તો સમય જ બતાવશે. પરંતુ, હાલ તો ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે.

LEAVE A REPLY