અમદાવાદઃ 1.73 કરોડની જુની રૂ. 1000ની નોટો પકડાઈ, જાણો કેવી રીતે પકડાયા શખ્સો

0
156

Inanews National

Update : 18th March 2018

અમદાવાદઃ દેશમાં રૂ. 1000 અને રૂ. 500ના દરની જુની નોટો બંધ થયાને વર્ષ વિતિ ગયું છતાં જુની નોટો પકડાવાનો સિલસિલો હજુ પણ ચાલુ છે. ઘણા એવા કાળા કાર્યોથી કમાણી કરીને નોટો હજુ પણ ફેરબદલ કરતાં ઝડપાઈ રહ્યા છે તેવા સંજોગોમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસે રૂ. 1,70,00,000ની જુની નોટો પકડી પાડી છે સાથે જ તે નોટોના આરોપીઓને પણ પકડી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી એક કાર તેમજ મોબાઈલ પણ જપ્ત કર્યા છે. પોલીસે કુલ રૂ.1.73 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

અમદાવાદ પોલીસને માહિતી મળી હતી કે સફેદ રંગની આઈ.20 કારમાં કેટલાક શખ્સો મોરૈયા વિસ્તારમાં જુની રદ થયેલી ચલણી નોટોની લેવડદેવડ કરવાના છે જેને પગલે પોલીસે મોરૈયા પાટીયા ખાતે વોચ ગોઠવી હતી. પંચો તથા પોલીસ સ્ટાફ આ કારને પકડવા છૂટી છવાઈ જગ્યાઓ પકડી વોચમાં ઊભા હતા ત્યારે થોડા સમય બાદ ચાંગોદરથી બાવળા તરફના રસ્તા પર મોરૈયા પાસે આ કાર આવીને ઊભી હતી, પણ કારમાંથી કોઈ ઉતર્યું નહીં. જેથી પોલીસની શંકા પ્રબળ બની અને પોલીસે આ કારને કોર્ડન કરી લીધી અને કારનો દરવાજો ખોલ્યો તો તેમાં પ્રથમ બેસેલો માણસ જેનું નામ પુછતાં તેણે પોતે રાજકુમાર રામેશ્વરલાલ કાબરા હોવાનું કહ્યું અને પોતે સાબર સોસાયટી ત્રીમંદિર રોડ, હિંમતનગર સાબરકાંઠાનો હોવાનું કહ્યું તેની બાજુમાં બેઠેલા શખ્સે પોતાનું નામ દિપકકુમાર નટવરલાલ ઠક્કર આપ્યું અને તે સામવેદ ફ્લેટ હિંમતનગરનો હોવાનું કહ્યું, તેમના પગ પાસે પડેલી વાદળી રંગની બેગ જોઈ પોલીસે તેની ચેઈન ખોલતાં તેમાં જુની નોટો રૂ.1000ની મળી આવી હતી.

પોલીસે આ નાણાં ક્યાંથી લાવ્યા અને કોની પાસેથી લાવ્યા તેવું પુછતાં તેઓ કોઈ આધાર પુરાવા આપી શક્યા ન હતા અને ગોળ ગોળ જવાબ આપતા પોલીસે તેમની અટક કરી નોટો તપાસતા કુલ 17,000 નોટો એટલે કે 1.70 કરોડ રોકડ હતી. પોલીસે નોટો સહિતનો મુદ્દામાલ મળી રૂ. 1,73,58,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ બંને સામે વધુ કાર્યવાહી હાથ ધરતા પોલીસ ફરિયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે લાંબો સમય રાહ જોયા બાદ પોલીસને પોતાની બાતમી આધારે આરોપીઓને મુદ્દામાલ સાથે પકડવામાં સફળતા મળી હતી.

LEAVE A REPLY