બીટકોઈન કેસમાં તમામ પોલીસ અધિકારીની સામે કડક કાર્યવાહી થશે

0
254

Inanews National

Update : 10th April 2018

ગુજરાત સરકારે દાવો કર્યો છે કે અમરેલી-સુરતનો બિટકોઈન હવાલા કેસ ઉકેલાઈ ગયો છે. આ પ્રકરણમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા સંડોવાયેલા તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓની ધરપકડ કરાશે. તેમજ દોષિત જણાતા તમામને સસ્પેન્ડ પણ કરાશે. સમગ્ર બનાવની તપાસ માટે પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં ‘સીટ’ની રચના કરાઈ છે. જેનું સુપરવિઝન નાયબ પોલીસ મહાનિરીક્ષક કરશે.

ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું કે, અમરેલીના એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર અને તેમાં કર્મચારીઓ દ્વારા સુરતનાં શૈલેષ ભટ્ટ તથા તેમનાં ભાગીદારો પાસેથી માર મારીને બળજબરીપૂર્વક ૨૦૦ બિટકોઈન ટ્રાન્સફર કરવા અને સમાધાન માટે વધુ ૩૨ કરોડની માગણી સંદર્ભે ફરીયાદ થઈ છે.

આ કેસમાં સંડોવાયેલા પીઆઈ અનંત પટેલ તેમજ અન્ય ૯ પોલીસ કર્મચારીઓની ધરપકડ કરીને તેમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરી છે. અરજદાર શૈલેષ ભટ્ટે સુરતથી પોતાના મિત્ર મારફતે પીઆઈ અનંત પટેલને સમાધાન પેટે રૃા. ૭૮.૫૦ લાખ આપવા માટે મોકલ્યા હતા.

મીડિયા દ્વારા બિટકોઈન ટ્રાન્સફર તેમજ અમરેલીના ડીએસપી જગદીશ પટેલ સહિતનાં પૂછાયેલા પ્રશ્નોના જવાબો આપતા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે જપ્ત કરાયેલા બન્ને મોબાઈલ ફોન એફએસએલમાં મોકલાયા છે. જેનો રીપોર્ટ હજુ આવવાનો બાકી છે. આ ગુનામાં જગદીશ પટેલ હોય કે અન્ય કોઈ ચમરબંધી હોય, સરકાર કોઈને પણ છોડવા માગતી નથી. જો આવું હોત તો પીઆઈ તેમજ અન્ય ૯ પોલીસ કર્મચારીને પકડયા જ ન હોત.

તેઓએ કહ્યું કે સીઆઈડી ક્રાઈમની પ્રાથમિક તપાસમાં જેની સંડોવણી બહાર આવી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય નવીન કોટડીયાની સંડોવણી અંગે પણ પોલીસ ઝીણવટથી તપાસ કરી રહી છે. અમરેલીના ડીએસપી જગદીશ પટેલ રજા પર ગયા છે પરંતુ કોઈપણ અધિકારી વ્યક્તિગત કારણોથી રજા પર ઉતરે તો મારી મંજૂરી લેવાની હોતી નથી.

LEAVE A REPLY