બિટકોઇન કેસમાં અમરેલીના PI અનંત પટેલ ઝડપાયા: ધરપકડથી બચવા અજમાવ્યો’તો ગુનેગારો જેવો આઇડિયા

0
138

Inanews National

Update : 19 April 2018

અમદાવાદ: 12 કરોડની કિંમતના બિટકોઇન પડાવ્યા બાદ ફરાર થઈ ગયેલા અમરેલીના પોલીસ ઈન્સપેક્ટર અનંત પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુરૂવારની બપોરે અડાલજ પાસે આવેલા સેન્ટોઝા બંગલો પાસેથી ઝડપી લીધા છે. પોલીસથી બચવા અનંત પટેલે પોતાની ઓળખ છુપાવવા માટે મુંડન કરાવી લીધુ હતું છતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેમને ઝડપી લીધા છે.

ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે 12 કરોડની કિંમતના બિટકોઇનના મામલે ગુનો નોંધ્યા બાદ અમરેલીના બે કોન્સ્ટેબલ અને એક વકીલની ધરપકડ કરી હતી. જ્યારે બાકીના આરોપીઓને ઝડપી લેવા માટે સીઆઈડી ક્રાઈમની ટીમ કામે લાગી હતી. દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબઈન્સપેક્ટર જશમીન રોઝીયા, ડી. કે. ચૌધરી અને યશપાલ ગોહિલને જાણકારી મળી હતી કે પોલીસથી સંતાઈ રહેલા પોલીસ ઈન્સપેક્ટર અનંત પટેલ અડાલજની આસાપસ સંતાયા છે જેના કારણે ત્રણેય સબઈન્સપેક્ટર્સની ટીમોએ જુદા જુદા રસ્તા ઉપર વોચ ગોઠવી હતી.

આ દરમિયાન ગુરૂવારની બપોરે અડાલજ પાસે સેન્ટોઝા બંગલો જતા રસ્તા ઉપર પાનના ગલ્લા ઉપર એક વ્યક્તિ મુંડન કરેલી ઉભી હતી. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ તેની સામે ધ્યાનથી જોતા તેના ચહેરા ઉપર હાવભાવ બદલાયા હતા. પણ બહુ જલદી ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમને ઓળખી ગઈ હતી અને ઈન્સપેક્ટર અનંત પટેલ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તેમને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈ જવા રવાના થયા છે. અનંત પટેલની પૂછપરછ બાદ તેમને સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ચોરી, હત્યા જેવા ગુનાઓમાં સપડાયેલા ગુનેગારો પોલીસથી બચવા માટે માથે મુંડન કરાવી કે મુછો કઢાવી અથવા તો દાઢી વધારી વેશ પલટો કરી ફરતા હોય છે ત્યારે ખુદ પીઆઇ પટેલ પર આવી જ રીતે ગુનેગારો જેવો આઇડિયા અજવામી માથે મુંડન કરાવી ફરતા હતા.

LEAVE A REPLY